મહીસાગરમાં અચાનક વાતાવરણમાં બદલાવ છે. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પવનો ફૂંકાવા સાથે કમોસમી વરસાદ પડ્યો. ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનમાં બદલાવ આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. મહીસાગરના લુણાવાડા ખાનપુર કડાણા અને સંતરામપુરમાં ચોમાસા જેવો વરસાદ પડ્યો.કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
કમોસમી વરસાદથી તાપમાનનો પારો ગગડયો
ગઈકાલ સાંજ પછી મહીસાગરમાં હવામાનમાં બદલાવ આવ્યો છે. જિલ્લામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદથી તાપમાનનો પારો નીચે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રીએ પંહોચ્યો હતો. ઠંડા પવનો સાથે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડતા સરેરાશ તાપમાન ઘટી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. કડાણા અને સંતરામપુરમાં માવઠું જોવા મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોની ભીતિ છે.
રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી તાપમાન 40 ડિગ્રીના પાર થયું હતું. ગત સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધતા તાપમાન 43 ડિગ્રીએ પંહોચતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. આ સપ્તાહની શરૂઆતમાં કચ્છમાં સિવિયર હિટવેવનું એલર્ટ અપાયું હતું જ્યારે સૌરાષ્ટ્ર, રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું હતું.મહીસાગરમાં ગતરોજ પડેલા કમોસમી વરસાદે લોકોને ગરમીમાંથી આંશિક રાહત આપી છે. રાજ્યમાં ગતમોડી સાંજે ઠંડા પવનોનું જોર જોવા મળ્યું. પવનોની દિશા બદલાતા સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટમાં સૌથી વધુ તાપમાન ડિગ્રી 40.3 જોવા મળ્યું જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ડીસા, વલ્લભવિદ્યાનગર, વડોદરા, નલિયા, સુરેન્દ્રનગર, કેશોદ અને મહુવામાં સરેરાશ તાપમાન 34 થી 37 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું.