- ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા સામે લોકોમાં આક્રોશ
- 2-4 લોકોને દૂર કરવા નવા સંગઠનનો ઢોંગ રચવામાં આવ્યો
- એક પછી એક નેતાઓ પાર્ટીના ગ્રુપમાંથી લેફ્ટ થયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાનું સંગઠન મજબૂત કરવા મથી રહી છે. આ માટે રાજ્યએ ગઈકાલે જ નવી ટીમનું એલાન કર્યું છે. જો કે નવું સંગઠન જાહેર થયાં બાદ ‘આપ’માં ભડકો જોવા મળ્યો છે. નવા સંગઠનની રચનાથી નારાજ અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આપના નવા સંગઠન માળખાથી પાર્ટીના ટોચના નેતાઓ પ્રત્યે લોકોમાં ભારે નારાજગી છે. ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
નારાજ નેતાઓનો આરોપ છે કે, માત્ર 2-4 લોકોને દૂર કરવા માટે નવા સંગઠનનો ઢોંગ રચવામાં આવ્યો છે. જેના કારણે પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ ભેમા ચૌધરીએ નવા હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે.
આજ રીતે તાપી જિલ્લા આપમાં પણ ભડકો થયો છે. તાપી જિલ્લાના પૂર્વ કાર્યકારી પ્રમુખ સહિતના હોદેદારોએ રાજીનામાં આપી દીધા છે. પૂર્વ મહિલા પ્રમુખ રીતુ બંસલ પણ પાર્ટીથી નારાજ છે. જ્યારે પ્રદેશ મંત્રી અભિષેક પટેલ પણ પાર્ટીના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા છે. આથી તેઓ પર રાજીનામું આપી શકે છે. આ સિવાય ગુજરાત પ્રદેશ સહમંત્રી ધનસુખ ગુજરાતી અને અમદાવાદ જિલ્લા પ્રમુખ કિરણ પટેલ પણ રાજીનામું આપી શકે છે.
એવું કહેવાય છે કે, પાર્ટીના પ્રદેશ મહામંત્રી સીએ જયદીપ પંડ્યાને દૂર કરવા માટે રાજરમત રમાઈ છે. પાર્ટીના કાર્યાલયમાંથી જયદીપ પંડ્યાના નામની પ્લેટ અને ફોટો હટાવવામાં આવ્યા છે.
નવા સંગઠન બાદ એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીના ગ્રુપમાંથી લેફ્ટ થઈ રહ્યાં છે. નવા સંગઠનના નામે માત્ર સુરતના લોકોનો દબદબો વધારવા કારસો ઘડાયો હોવાની ચર્ચા થઈ રહી છે.










