• પ્રથમ તબક્કે લોથલમાં રૂ. 744 કરોડ ખર્ચાશે

  • સિકોતર માતા હજારો વર્ષ પહેલાં પણ લોથલમાં પૂજાતા હતા
  • ભૂતકાળમાં ભવ્ય સામુદ્રિક વિરાસત નજર અંદાજ કરાઈ પણ અમે સાચવીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીથી ડ્રોન-કેમેરાથી અહીં લોથલમાં સ્થપાનારા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ત્યાંથી વર્ચ્યુઅલી લોથલ ખાતે યોજાયેલા ફંક્શનને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લે લાલ કિલ્લા ઉપરથી મેં આપણી વિરાસતો ઉપર ગર્વ કરવાની બાબત કહી છે. એ સંદર્ભમાં હજારો વર્ષ પુરાણી લોથલ, ધોળાવીરા જેવી મહાન વિરાસતો, ધરોધર આપણી પાસે છે. એવી જ રીતે ચોલાવંશ, પાંડે રાજવંશ દ્વારા સમુદ્રી વેપાર વિકસાવાયો હતો. છત્રપતિ શિવાજીએ પણ સશસ્ત્ર નૌસેનાનું ગઠન કર્યું હતું. કચ્છમાં મોટા મોટા જહાજો ભંગાવવા આવતા હતા. આ બધા સમુદ્રી ઇતિહાસને નજરઅંદાજ કરાયો છે, જેને કારણે બહુ મોટું નુકસાન થયું છે, તેથી અમે નિૃય કર્યો છે કે, અમે આ બધો ઇતિહાસ સાચવીશું.

લોથલ હજારો સાલ પહેલાં પોર્ટ સિટી હતું, તેનું પોર્ટ-સિટી-બજાર વિકસિત હોવાના અવશેષો મળે છે, તેમ ઉલ્લેખી વડાપ્રધાને કહ્યું કે, આજે સિકોતર માતાની પૂજા કરીને મછવારાઓ દરિયો ખેડવા જાય છે, તે સિકોતર માતા હજારો વર્ષ પહેલાં પણ લોથલમાં પૂજાતી હતી, તેના અવશેષો મળ્યા છે. વડનગરમાં ઉત્ખન્ન દરમિયાન સિકોતરનો પત્તો લાગ્યો છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં લાઇટહાઉસ હોવાના પુરાવા સાંપડયા છે, જે દરિયાથી 100 કિમી દૂર છે.

વડાપ્રધાને એમ પણ ઉમેર્યું હતું કે, લોથલમાં આ તમામ સામુદ્રિક વિરાસતને સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એ રીતે લેટેસ્ટ ટેક્નોલોજીથી પુરાણા યુગની ઝાંખી કરાવવામાં આવશે. આ કોમ્પ્લેક્સ સર્જાયા પછી કેવડિયાની માફક હજારો પ્રવાસીઓ અહીં આવશે, જેને કારણે આસપાસના વિસ્તારમાં રોજગારીની મોટી તકો સર્જાશે.

કેવડિયામાં રાજ-રજવાડાઓનું મ્યુઝિયમનું ડિઝાઇનિંગ

સરદાર પટેલે દેશના ગઠનમાં રાજ-રજવાડાઓનું વિલીનીકરણ કર્યું હતું, તે રાજ-રજવાડાઓ અંગે કેવડિયામાં મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવાયો છે. અત્યારે એની ડિઝાઇનિંગનું કામ ચાલી રહ્યું છે, સાથો સાથ રિસર્ચ પણ થઈ રહ્યું છે, એમ પણ વડાપ્રધાને જાહેર કર્યું હતું.

પ્રથમ તબક્કે લોથલમાં રૂ. 744 કરોડ ખર્ચાશે

મુખ્યમંત્રીએ લોથલના ફંક્શનમાં જણાવ્યું હતું કે, લોથલમાં રૂ. 3,500 કરોડના ખર્ચે બે તબક્કામાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સર્જાશે. જેમાં પ્રથમ તબક્કે રૂ. 744 કરોડના ખર્ચે નૌકાદળ અને દીવાદાડી સંદર્ભે ઇતિહાસ સચવાશે.


  • Follow us on: