- દેવ ઊઠી એકાદશીની ઉજવણી સાથે જ મંદિરોમાં બે દિવસ તુલસી વિવાહની રોનક
- ભગવાનના લગ્ન સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થશે
- ગુરુવારે મંદિરોમાં તુલસી વિવાહ પર્વની રોનક જોવા મળશે
હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતી દેવ ઊઠી એકાદશીની ગુરુવારે રંગારંગ ઉજવણી થશે. દરમિયાન મંદિરોમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના વિવાહ પ્રસંગને લઇને તડામાર તૈયારીઓ આટોપી દેવામાં આવી છે. ગુરુવારે મંદિરોમાં તુલસી વિવાહ પર્વની રોનક જોવા મળશે અને ભગવાનના લગ્ન સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. મંદિરોમાં દેવઊઠી એકાદશી સાથે શરૂ થનારી તુલસી વિવાહની ઉજવણી દેવદિવાળી સુધી જોવા મળશે.
દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના સમયગાળાને હિન્દુ ચાતુર્માસ ગણવામાં આવતું હોય લગ્ન આયોજનો પર બ્રેક લાગી જાય છે. શાસ્ત્રો પ્રમાણે ચાતુર્માસ વેળાએ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં સ્થિર હોવાથી લગ્નો લેવાતા નથી. દિવાળી, નૂતન વર્ષની ઉજવણી બાદ કારતક સુદ એકાદશીના રોજ પ્રબોધિની એકાદશી, દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે જ લગ્નસરાની નવી સિઝનની શરૂઆત થાય છે. દેવઊઠી એકાદશીએ ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાનો વિધિવત વિવાહ પ્રસંગ યોજવામાં આવે છે. મંદિરોમાં એક અઠવાડિયાથી પહેલેથી જ તુલસી વિવાહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. દેવઊઠી એકાદશીએ શુભ મૂહર્તમાં વિવાહ પ્રસંગ યોજ્યા બાદ બે દિવસ સુધી ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના સજોડે દર્શન થતાં હોય મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. ગુરુવારે દેવઊઠી એકાદશી નિમિત્તે શહેરના અનેક મંદિરોમાં તુલસીવિવાહ યોજાવાના હોય રોશનીનો શણગાર કરી દેવાયો છે. તુલસી વિવાહ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓની ભીડ ઉમટશે.










