• નક્ષત્રના વિચિત્ર સંયોગ વચ્ચે લગ્નના ઓછા મુહૂર્ત હોય વર-કન્યા પક્ષની ચિંતામાં વધારો

  • ફેબ્રુઆરીમાં સૌથી વધારે 12 મુહૂર્ત, ગુરુ-શુક્રના અસ્તને લીધે મે-જૂનમાં એકેય મુહૂર્ત નહીં
  • દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થશે

દીપોત્સવી પર્વની રોનક હજુ સુધી બજારમાં દેખાઇ રહી છે. હવે ગુરુવારે દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. જોકે, ચાલુ વર્ષે ગ્રહ, નક્ષત્રના વિચિત્ર સંયોગ વચ્ચે લગ્નના માત્ર 41 મુહૂર્ત જ હોય વર અને કન્યા પક્ષની ચિંતામાં વધારો થઇ ગયો છે. ગુરુવારે દેવઊઠી એકાદશી વેળાએ તુલસીવિવાહ સાથે લગ્નસરાની નવી સિઝન તો શરૂ થશે, પરંતુ ઓછા મુહૂર્તની બુમરાણ મચશે. લગ્નસરાની નવી સિઝનમાં ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે 12 મુહૂર્ત છે. જ્યારે ગુરુ અને શુક્રના અસ્તને કારણે મે અને જૂન માસમાં એકેય મુહૂર્ત નથી. હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન લગ્ન આયોજનો પર બ્રેક લાગી જાય છે. આ ચાર મહિનાના સમયગાળાને હિન્દુ ચાતુર્માસ કહેવામાં આવે છે. દેવઊઠી એકાદશીના ઉપવાસ સાથે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. મંદિરોમાં તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્નની સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થાય છે. આ વર્ષે ગુરુવારે 23 નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશીની ઉજવણી થશે. ત્યારબાદ 27 નવેમ્બર એટલે કે દેવદિવાળીના રોજ લગ્નનું મુહૂર્ત છે. જોકે, ગત વર્ષે લગ્નસરાની સિઝનમાં 61 મુહૂર્ત હતા. તેની સરખામણીએ ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનમાં માત્ર 41 જ મુહૂર્ત છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ 20 મુહૂર્ત ઓછા છે. મે અને જૂન માસમાં ગુરુ અને શુક્રદેવના અસ્તને કારણે એકેય મુહૂર્ત રહેશે. ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે 12 લગ્નમુહૂર્ત રહેશે. જ્યારે નવેમ્બર માસમાં 3, ડિસેમ્બરમાં 5, જાન્યુઆરીમાં 6, ફેબ્રુઆરીમાં 12, માર્ચમાં 5, એપ્રિલમાં 5 અને જુલાઇમાં 5 મુહૂર્ત રહેશે.

કમુરતા, હોળાષ્ટક, ગુરુ-શુક્રનો અસ્ત નડી જશે

સામાન્યપણે લગ્નસરાની સિઝનને ગુરુ, શુક્રનો અસ્ત અને હોળાષ્ટક, ધનારક, મીનારક નડે છે. વિક્રમ સંવત 2080ના આ વર્ષમાં 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક એટલે કે કમુરતાં નડશે. ત્યારબાદ 16 માર્ચથી 24 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક નડશે. 29 એપ્રિલથી 28 જૂન સુધી શુક્રદેવનો અસ્ત હોય લગ્નો લેવાશે નહીં. 6 મેથી 3 જૂન સુધી ગુરુનો અસ્ત રહેશે. સામાન્ય પણે આ દિવસોમાં લગ્ન સહિતના શુભ કાર્યો થતા ન હોય લગ્નસરાની શહેનાઇઓ ગૂંજશે નહીં.


  • Follow us on: