સાબરકાંઠા જિલ્લાના ઇડર-હિંમતનગર સ્ટેટ હાઇવે પર અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જઈ રહેલા માઈભક્તો માટે કાળમુખો અકસ્માત સર્જાયો છે. પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે તંત્ર દ્વારા હિંમતનગર થી ખેરોજ સુધીનો 110 કિલોમીટરનો હાઇવે વન-વે કરવામાં આવ્યો છે, જેમાં એક માર્ગ માત્ર અને માત્ર પદયાત્રીઓ માટે જ અનામત રખાયો છે. આ કડક વ્યવસ્થા છતાં, હિંમતનગરના દોલગઢ નજીક એક બેફામ સ્કોર્પિયો કાર ચાલકે પદયાત્રીઓ માટેના અનામત માર્ગમાં કાર ઘૂસાડી દીધી હતી અને ચાલીને જતા પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધા હતા.
ઇડર સ્ટેટ હાઇવે પર સ્કોર્પિયોએ 12 લોકોને અડફેટે લીધા
આ કરૂણ અને ગમખ્વાર અકસ્માતમાં એક પદયાત્રીનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય અનેક પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતનો ભોગ બનેલા મોટા ભાગના ભક્તો દેવગઢબારિયા અને ગોધરા પંથકના હોવાનું સામે આવ્યું છે. તમામ ઘાયલ પદયાત્રીઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પદયાત્રીનું મોત થતાં ઘટનાસ્થળે ભારે આક્રોશ ફાટી નીકળ્યો
પદયાત્રી માર્ગ પર જ વાહને કચડી નાખતાં અને સાથી પદયાત્રીનું મોત થતાં ઘટનાસ્થળે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીને રોડ પર જ આગને હવાલે કરી દીધી હતી. ઘટનાની ગંભીરતાને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસવડા (SP) સહિતનો પોલીસ કાફલો અને સાબરકાંઠા ક્ષેત્રના લોકસભા સાંસદ તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળ્યા
પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત પદયાત્રીઓને ઝડપી તબીબી સારવાર મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે જ, પદયાત્રીઓ માટે સંપૂર્ણ બંધ કરાયેલા 110 કિમીના રોડ પર સ્કોર્પિયો કાર કયા સુરક્ષા પોઇન્ટથી અંદર પ્રવેશી તે પાછળના કારણો જાણવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે.
લોકોએ સ્કોર્પિયો કારને આગને હવાલે કરી દીધી
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પદયાત્રીઓ માટે રોડ બંધ રાખવામાં આવ્યો હોવા છતાં અને માત્ર પદયાત્રીઓ જ ચાલી રહ્યા હતા તેવા માર્ગ પર સ્કોર્પિયો ક્યાંથી અને કેવી રીતે અંદર પ્રવેશી? તે બાબત હાલ પોલીસ અને તંત્ર માટે ચિંતાનો અને મોટા સવાલનો વિષય બની છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે
અકસ્માતમાં 12 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં, ઘટનાસ્થળે હાજર અન્ય ભક્તો અને ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીને આગને હવાલે કરી દીધી હતી. ઘટનાની ગંભીરતા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા પોલીસવડા (SP) પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટો પોલીસ કાફલો લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા પૂર્વવત
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા પૂર્વવત કરી છે. બીજી તરફ, અકસ્માતમાં ઘવાયેલા તમામ ઈજાગ્રસ્ત પદયાત્રીઓને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. જિલ્લા પોલીસવડાએ વન-વે રૂટના સુરક્ષા પોઇન્ટ્સ પર હાજર કર્મચારીઓની ભૂમિકા સહિત સ્કોર્પિયો ચાલક સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
