કચ્છના નખત્રાણા નજીક આવેલા કોટડા જડોદર પાસેના ભાગણ વાડા (ભંગારવાડા) ખાતે આજે એક અત્યંત હૃદયદ્રાવક અને હોરર સ્તરે ગંભીર ઘટના આકાર પામી છે. ભંગારવાડામાં ઊભેલા અથવા કામકાજ હેઠળના એક છોટા હાથી વાહનમાં અચાનક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટનો અવાજ એટલો ભયાનક અને તીવ્ર હતો કે આસપાસના કેટલાક કિલોમીટર સુધી લોકોમાં ફાળ પડી હતી અને અફરાતફરી મચી ગઈ હતી.

નખત્રાણાના ભંગારવાડામાં ભયાનક વિસ્ફોટ 

આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યો ઘટનાસ્થળે જ હોમાઈ ગયા છે. જેમાં બે સગા ભાઈઓ અને તેમના 3-3 વર્ષના બે અબુધ અને માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વિસ્ફોટની ગંભીરતાને પગલે નખત્રાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:

2 સગા ભાઈઓ અને 2 માસૂમ બાળકો

1. કુંભાર મામદ ઈલિયાસ (ઉંમર 30 વર્ષ) 2. કુંભાર નૂરમામદ ઈલિયાસ (ઉંમર 26 વર્ષ) 3. કુંભાર હસનેન મામદ (ઉંમર અંદાજે 3 વર્ષ - મામદનો પુત્ર)4. નૂર ફાતિમા નૂરમામદ (ઉંમર અંદાજે 3 વર્ષ - નૂરમામદની પુત્રી) પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. છોટા હાથીમાં કયા પ્રકારના કેમિકલ, ગેસ સિલિન્ડર કે કમ્પ્રેશર્ડ વિસ્ફોટક પદાર્થને લીધે આટલો મોટો ધમાકો થયો તે જાણવા માટે એફ.એસ.એલ. (FSL) ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. બે સગા ભાઈઓ અને તેમના માસૂમ બાળકોના એકસાથે મોત થતાં કુંભાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.