અમદાવાદ જિલ્લાના વિરમગામમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર સોકલી રોડ નજીક આવેલા ગરનાળા પાસે પસાર થતી કાચી કેનાલમાં 14 વર્ષનો એક માસૂમ સગીર અચાનક ડૂબી ગયો હતો. સ્થાનિકોના ધ્યાન પર આ બાબત આવતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
ભારે વરસાદથી કેનાલમાં પાણીનું વહેણ તીવ્ર
ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે વિરમગામમાંથી પસાર થતી આ કાચી કેનાલમાં પાણીનું સ્તર અને વહેણ અત્યંત તીવ્ર જોવા મળી રહ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે સગીર ઊંડા પાણીમાં તણાઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલમાં પાણીનું ભારે વહેણ હોવાથી સ્થાનિકો માટે પણ ત્વરિત બચાવ કામગીરી કરવી મુશ્કેલ બની હતી.
