દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરમાં ચેકિંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ કડીમાં અમદાવાદ ગ્રામ્ય અંતર્ગત આવતા વિરમગામ શહેરમાં ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
અમદાવાદ અને ગાંધીનગરની સંયુક્ત ટીમ દ્વારા રેડ
દિવાળી ટાણે બજારમાં મીઠાઈઓ અને ફરસાણની માંગ અચાનક વધી જતી હોય છે, અને આ જ સમયગાળામાં ભેળસેળ થવાની શક્યતાઓ પણ સૌથી વધુ રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે વિરમગામ શહેરમાં આવેલી વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે દુકાનોમાં વેચાતી ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા, શુદ્ધતા અને બનાવટની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
