અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના ઐતિહાસિક અને પૌરાણિક વૌઠા ગામે યોજાતા લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાબરમતી સહિતની સપ્તનદીના પવિત્ર સંગમસ્થાને આવેલા પ્રખ્યાત ચકલેશ્વર મહાદેવના પટાંગણમાં ભરાયેલા આ ભવ્ય લોકમેળામાં ચારેય બાજુ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ મેળાની રોનકે સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કરી દીધું છે.
પરિવારજનો અને બાળકો સાથે ઉમટ્યા લોકો
શ્રદ્ધા અને મનોરંજનના અનોખા સંગમ સમાન આ મેળામાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર-દૂરથી લોકો પોતાના પરિવારજનો અને નાના બાળકો સાથે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. બાળકો માટે ચકડોળ અને મનોરંજનના અન્ય સાધનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરિવાર સાથે મેળો માણવા આવેલા લોકોએ ઉત્સાહભેર આ ઐતિહાસિક પરંપરાનો આનંદ ઉઠાવ્યો હતો.

ખાણીપીણી અને ખરીદીના બજારોમાં ધમધમાટ
મેળાના પરિસરમાં ખાણીપીણીની લિજ્જતદાર વસ્તુઓ, રમકડાંની દુકાનો તેમજ ઘરવખરી અને હસ્તકળાની ચીજવસ્તુઓના બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી અને ખાણીપીણીની મજા માણી હતી. દુકાનદારો અને વેપારીઓ માટે પણ આ મેળો ભારે ધમધમાટવાળો સાબિત થઈ રહ્યો છે.

શ્રદ્ધા અને સંસ્કૃતિનો સમન્વય
વૌઠાનો આ મેળો માત્ર મનોરંજનનું કેન્દ્ર નથી, પરંતુ તે આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખ પણ છે. પવિત્ર સંગમ સ્થાને સ્નાન કરી ચકલેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ અને મેળાની રંગારંગ મોજ માણતા લોકોના કારણે સમગ્ર વૌઠા નગરી ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગઈ છે.
આ પણ વાંચો: Ahmedabadના વસ્ત્રાલમાં લગ્નપ્રસંગમાં આવેલા પરિવાર પર જીવલેણ હુમલો, હોર્ન મારવા જેવી નજીવી બાબતે ચાર શખસોનો આતંક