બાવળા શહેરમાં સીએચસી હોસ્પિટલ તેમજ પેટ્રોલ પંપ નજીક નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી વખતે અચાનક ગુજરાત ગેસની મુખ્ય પાઇપ લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હતું.ગટરના ખોદકામ દરમિયાન લાઇન તૂટી પડતાં ગેસનો જોરદાર ફુવારો હવામાં ઊડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.ગેસ ફેલાતાં જ લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.સદનસીબે આગ લાગવા જેવી કોઈ મોટી દુર્ઘટના બની ન હતી.
જોરદાર અવાજ સાથે ગેસનો મોટો ફુવારો ફૂટી નીકળ્યો
બાવળા નગરપાલિકા દ્વારા વિસ્તારમાં ગટરના કામ માટે ખોદકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી.આ કામગીરી દરમિયાન અચાનક જમીનમાંથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું.પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થતાંની સાથે જ અત્યંત જોરદાર અવાજ સાથે ગેસનો મોટો ફુવારો ફૂટી નીકળ્યો હતો. જોતજોતામાં વાતાવરણમાં પ્રસરવા લાગ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર વાસ સાથે ગેસ ફેલાઈ જતાં ગંભીર સ્થિતિ પેદા થઈ હતી.આ સ્થળ બાવળા સીએચસી હોસ્પિટલની તદ્દન લગોલગ હોવાથી પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ હતી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમની સાથે હાજર રહેલા સગાઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.આ ઘટના જે સ્થળે બની તેની બિલકુલ નજીકમાં એક પેટ્રોલ પંપ પણ આવેલો છે.
