દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં કુદરતે મન મૂકીને સૌંદર્ય વેર્યું છે, જે ચોમાસા દરમિયાન બેવડાઈ જાય છે. ડાંગ જિલ્લાના વડામથક આહવા, વઘઇ, સુબિર અને ખાસ કરીને પ્રવાસન ધામ સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા ધીમા અને મધ્યમ વરસાદની વચ્ચે ડાંગના પહાડોમાં અચાનક વાદળો નીચે ઉતરી આવ્યા હોય તેમ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. સાપુતારાના સનસેટ પોઇન્ટ, ગવર્નર હિલ અને તળાવ આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગયો છે.

ડાંગ જિલ્લામાં કુદરતે મન મૂકીને સૌંદર્ય વેર્યું
https://www.instagram.com/reel/DaW6dSJColN/?utm_source=ig_web_button_share_sheet

અદભુત નજારો જોવા ઉમટ્યા પ્રવાસીઓ

વરસાદી માહોલ અને ધુમ્મસના આ નયનરમ્ય અને અલ્હાદાયક વાતાવરણનો લહાવો લેવા માટે ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી હજારો પ્રવાસીઓ સાપુતારા ખાતે ઉમટી પડ્યા છે. ડાંગના ડુંગરોમાંથી વહેતા નાના-મોટા કુદરતી ઝરણાંઓ જીવંત થઈ જતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જોકે, આ આહલાદક વાતાવરણ વાહનચાલકો માટે ભારે પડકારજનક સાબિત થઈ રહ્યું છે. સાપુતારા ઘાટ માર્ગ પર ધુમ્મસ એટલું ગાઢ છે કે થોડા જ અંતરે આવેલું વાહન પણ દેખાતું નથી. વિઝિબિલિટી ખૂબ જ ઘટી જતાં ઘાટ પરથી પસાર થતી બસો, લક્ઝરી વાહનો અને પ્રવાસીઓની કારની ગતિ સાવ ધીમી પડી ગઈ છે.

પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને સાવચેતીના પગલાં

વાહનચાલકોને ઘાટના વળાંકો પર વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી હોવાના અહેવાલોને પગલે ડાંગ જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા વઘઇથી સાપુતારા તરફ આવતા મુખ્ય માર્ગો અને વળાંકો પર ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનોની પાર્કિંગ લાઇટ અથવા હેડલાઇટ ચાલુ રાખીને જ સફર કરે, જેથી સામેથી આવતા વાહનને અંદાજ આવી શકે. આ ઉપરાંત, તીવ્ર વળાંકો પર ઓવરટેક ન કરવા અને વાહનની સ્પીડ મર્યાદિત રાખવા સાઇન બોર્ડ અને લાઉડસ્પીકર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat Rain: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કિમ નદી બે કાંઠે વહી, ખેડૂતો ખુશખુશાલ થયા