અંબાજી નજીક આવેલા દાંતા અને આસપાસના જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં હિંસક વન્યજીવોના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. દાંતા તાલુકાના સેબાળી ગામના 26 વર્ષીય યુવક વિકાભાઈ સુરેશભાઈ બુમડીયા બુધવારે પોતાના ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી નીકળેલા રીંછે તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

દાંતા પંથકમાં રીંછનો આતંક

રીંછના આ અચાનક હુમલામાં વિકાભાઈના મોઢા અને દાંતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

યુવક ગંભીર રીતે ઘાયલ

નોંધનીય છે કે દાંતા વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં રીંછના હુમલાની આ બીજી ઘટના છે. ગત મંગળવારે પણ એક મહિલા પર રીંછે હુમલો કર્યો હતો, જ્યારે બુધવારે 26 વર્ષીય યુવક તેનો ભોગ બન્યો છે. સતત બીજા દિવસે રીંછના હુમલાથી સીમ અને ખેતરમાં જતા ગ્રામજનોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. ઘટનાના પગલે વન વિભાગનો કાફલો દોડતો થયો છે અને સ્થાનિકોએ આ વિસ્તારમાં પાંજરૂ મૂકી રીંછને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Surat: ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડના ઉઘરાણા બંધ કરો; ધારાસભ્ય કાનાણીએ પોલીસની કામગીરી સામે બળવો પોકાર્યો