ઉત્તર ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના સમાપન પૂર્વે એક ભાવુક અને શ્રદ્ધામય દ્રશ્ય જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં સમગ્ર બનાસકાંઠા વહીવટી તંત્રએ માં અંબાના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિશાળ પદયાત્રા યોજી હતી. મહામેળો હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થવા તરફ છે ત્યારે રાત-દિવસ અવિરત સેવા આપનારા વિવિધ વિભાગોના આશરે ૫૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ પદયાત્રામાં પદયાત્રી બનીને જોડાયા હતા.
અંબાજીમાં વહીવટી તંત્રની ભાવુક પદયાત્રા
જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે દાંતા SDM, અમીરગઢ SDM, પાલનપુર SDM તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ત્રિશૂલિયા ઘાટથી અંબાજી મંદિર સુધી પગપાળા ચાલીને પહોંચ્યા હતા. આ પદયાત્રા દરમિયાન અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટના કઠિન વળાંકો વચ્ચે ચાલીને દૂર-દૂરથી આવતા લાખો શ્રદ્ધાળુઓની અથાક ભક્તિ અને શ્રમનો રૂબરૂ અનુભવ કર્યો હતો. કલેક્ટર સહિત સમગ્ર કાફલાએ અંબાજી પહોંચી મા અંબાના નિજ મંદિરે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
