અંબાજી પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચોરીના વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નંબરપ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે પોકેટકોપ એપ્લિકેશન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી ચોરીની 4 મોટરસાઇકલ કબ્જે કરીને કુલ રૂ. 1,65,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના બે તસ્કરોની અટકાયત

આ કાયદેસરની કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના આબુરોડ વિસ્તારના રહેવાસી કિશન ગમાર અને વિકેશ ડાભી નામના બે તસ્કરોની અટકાયત કરી છે. શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવતાં તેમણે વાહન ચોરીના નેટવર્ક અંગેની કબૂલાત આપી હતી. અંબાજી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે.

આ-આ વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત

પોલીસની સઘન પૂછપરછ દરમિયાન ઝડપાયેલા તસ્કરોએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. આરોપીઓએ ગુજરાતના દાંતા અને ખેરાલુ તેમજ સરહદી રાજસ્થાનના રેવદર અને સિરોહી વિસ્તારમાંથી બાઇકોની તસ્કરી કરી હતી. અંબાજી પોલીસે આ સફળ કામગીરીથી વાહન ચોરીના આંતરરાજ્ય ગુનાઓ ઉકેલી કાઢ્યા છે અને આ રેકેટમાં અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ લંબાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો