અંબાજી સ્થિત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં થયેલી રૂ. 6.72 લાખની ઉચાપતના કેસમાં 17 વર્ષ બાદ અદાલતે ચૂકાદો સંભળાવ્યો છે. પાલનપુરની વિશેષ એસીબી અદાલતે આ કેસમાં કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ મિશ્રા અને હેડ ક્લાર્ક દિનેશ ઉપાધ્યાયને દોષિત જાહેર કરીને બંનેને 7-7 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત બંને દોષિતોને પ્રત્યેકને રૂ. 5 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

બંને આરોપીઓને 7 વર્ષની કેદ

અદાલતે ડૉ. મોદનાથ મિશ્રા અને દિનેશ ઉપાધ્યાયને ઉચાપતના કેસમાં દોષિત ઠેરવી સાત-સાત વર્ષની કેદનો હુકમ કર્યો છે. સાથે જ બંનેને રૂ. 5 હજારનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો બંને દોષિતોને વધુ 6 માસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ અદાલતે કર્યો છે.

ઓપન યુનિવર્સિટી સેન્ટરના હિસાબમાં ગેરરીતિ

આ કેસ વર્ષ 2008-09નો છે. તે સમયે અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઓપન યુનિવર્સિટી સેન્ટર કાર્યરત હતું. આ સેન્ટરના નાણાકીય હિસાબોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ હતો. ટ્રસ્ટના ખાતામાં નાણાં જમા કરાવવાને બદલે અલગ ખાતું ખોલાવી તેમાં રૂ. 6.72 લાખની રકમ જમા કરાવી ઉચાપત કરવામાં આવી હતી.

વર્ષ 2009માં નોંધાઈ હતી ફરિયાદ

આ સમગ્ર મામલે વર્ષ 2009માં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તપાસ અને લાંબી ન્યાયિક પ્રક્રિયા ચાલી હતી. આખરે 26 નવેમ્બર 2026ના રોજ પાલનપુરની વિશેષ એસીબી અદાલતે ચુકાદો સંભળાવી બંને આરોપીઓને સજા ફટકારી હતી.

17 વર્ષ બાદ આવ્યો ચૂકાદો

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કોલેજ સાથે જોડાયેલા રૂ. 6.72 લાખની ઉચાપતના આ કેસમાં ફરિયાદ નોંધાયાના આશરે 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. પૂર્વ પ્રિન્સિપાલ અને હેડ ક્લાર્કને થયેલી સજાને પગલે લાંબા સમયથી ચાલી રહેલા આ કેસની ન્યાયિક પ્રક્રિયાનો અંત આવ્યો છે. 


આ પણ વાંચો :     Explainer : અમેરિકામાં કરેલી વર્ષોની મહેનત પર પાણી..! IBMના નિર્ણયથી હજારો ભારતીયો મુશ્કેલીમાં, વાંચો શું અસર થશે