પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાંતા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતી આસો નવરાત્રિની આઠમના હવનની હજારો વર્ષ જૂની ધાર્મિક પરંપરા યથાવત રહેશે. ગુજરાત સરકાર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના હસ્તક્ષેપ બાદ આઠમના હવન માટે મંજૂરી મળી હોવાનો દાવો દાંતા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. કોર્ટના ચુકાદા બાદ અટકેલી આ પૂજા પરંપરા પુનઃ શરૂ થવાની આશા જાગી છે, જેને પગલે આઠમના પવિત્ર દિવસે રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ હવન અને પૂજન અર્ચન કરવામાં આવશે.

40 પેઢીથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અને આસ્થા

દાંતા સ્ટેટના રાજવી રીધીરાજસિંહ પરમારે આ નિર્ણય બદલ રાજ્યના મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ તેમજ અંબાજી ટ્રસ્ટના ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ પૂજા સમગ્ર સમાજ અને પ્રજાજનોની આસ્થા સાથે જોડાયેલી છે. આ હવનનો ઇતિહાસ મહારાજા જસરાજસિંહ પરમાર દ્વારા મંદિર નિર્માણની પરંપરા સાથે સંકળાયેલો છે. રાજવી પરિવારની 40 પેઢીથી ચાલી આવતી આ નીતિ-નિયમો મુજબની વિધિમાં માતાજીની પાદુકા પૂજન બાદ આઠમનો હવન યોજાશે, જેમાં શ્રદ્ધાળુઓ શ્રીફળ હોમી શકશે અને આદિવાસી ભાઈ-બહેનોને સુખડીનો પ્રસાદ વિતરિત કરાશે.

કોર્ટના ચુકાદાનું સન્માન અને સમાધાનના પ્રયાસો

રાજવી પરિવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોર્ટના ચુકાદાનું પૂર્ણ સન્માન કરે છે, પરંતુ વર્ષો જૂની ધાર્મિક પરંપરા અવિરત ચાલુ રહે તે જ તેમની મુખ્ય માંગણી છે. રાજવી રીધીરાજસિંહ પરમારે વધુમાં ઉમેર્યું હતું કે પૂજાના આ મૂળભૂત અધિકાર અને પરંપરાની જાળવણી માટે તેઓ ભવિષ્યમાં કોર્ટમાં પણ યોગ્ય સમાધાનના તમામ સરાહનીય પ્રયાસો ચાલુ રાખશે, જેથી ભક્તોની આસ્થા અને ઐતિહાસિક વિરાસત જળવાઈ રહે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો