ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલી માવલ ચેકપોસ્ટ હાલ વિવાદનું મુખ્ય કેન્દ્ર બની છે.દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓ માટે સરહદ પર અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતને અડીને આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર વાહનો રોકીને દિવાળીના નામે નાણાંની ગેરકાયદે ઉઘરાણી થતી હોવાના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓ અને વાહનોને અટકાવી પરેશાન કરાતા પ્રવાસીઓમાં રોષ ફેલાયો છે.

દિવાળીના તહેવારના નામે ખુલ્લેઆમ નાણાંની ઉઘરાણી

દિવાળી વેકેશનની રજાઓ માણવા માટે મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો અને પ્રવાસીઓ રાજસ્થાન તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે તેમની સાથે સરહદ પર અયોગ્ય વ્યવહાર થઈ રહ્યો છે.ચેકપોસ્ટ પર વાહનોને આંતરીને દિવાળીના તહેવારના નામે ખુલ્લેઆમ નાણાંની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.બોર્ડર પર કાયદેસર ફરજ બજાવતા વર્ધીધારી પોલીસ કર્મચારીઓના બદલે અન્ય અનધિકૃત લોકોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ગેરરીતિમાં માત્ર ખાનગી વાહનો જ નહીં પરંતુ માલવાહક વાહનો પણ ભોગ બની રહ્યા છે.ચેકપોસ્ટ પરથી પસાર થતા ટ્રકચાલકોને બિલ્ટીમાં ક્ષતિ કે ભૂલ હોવાના બહાના આગળ ધરીને કલાકો સુધી અટકાવી રાખવામાં આવે છે અને તેમને માનસિક રીતે પરેશાન કરીને પૈસા પડાવવામાં આવે છે.

સરહદી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા

વાયરલ વીડિયોમાં વસૂલાતના દૃશ્યો કેદ થતાં સરહદી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.આ સમગ્ર ઘટનાક્રમમાં આબુરોડ રીકો ચોકીના સીઆઈ લક્ષ્મણસિંહ ચાંપાવતની કામગીરી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે અને તેમની શંકાસ્પદ ભૂમિકા અંગે સ્થાનિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે.ગુજરાતમાંથી આવતા નિર્દોષ પ્રવાસીઓને અડચણો ઊભી કરીને હેરાન કરવામાં આવી રહ્યા હોવાથી મુસાફરોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.સોશિયલ મીડિયા પર આ ગેરકાયદે વસૂલાતના દૃશ્યો ઝડપથી વાયરલ થતાં ગુજરાતી પ્રવાસીઓમાં ભારે નારાજગી અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.તહેવારોના સમયે સરહદ પર ખુલ્લેઆમ ચાલતા આ ખેલને તાત્કાલિક ડામી દેવા માટે રાજસ્થાનના સિરોહી જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી સમગ્ર મામલે ગંભીરતા દાખવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરે તેવી પ્રબળ માંગ ઊઠી છે. 

આ પણ વાંચોઃ Gold Price Drop : 10 દિવસમાં સોનું 8,660 સસ્તું! આજે ફરી વધ્યા કે ઘટ્યા સોનાના ભાવ? જાણો લેટેસ્ટ રેટ