પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીની પવિત્ર ભૂમિ પરથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત 'દિવાળી બા ભવન' ભોજનાલયની બહાર બે નાના માસૂમ બાળકોને જાહેરમાં અત્યંત ક્રૂરતાપૂર્વક 'તાલીબાની સજા' આપવામાં આવી રહી હોવાનો એક કાળજું કંપાવી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. પવિત્ર ધામમાં માસૂમ બાળકો સાથે આ પ્રકારનો અમાનુષી અને રાક્ષસી વ્યવહાર થતાં જ સ્થાનિક રહીશો અને માઈભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

સ્ટાફ ક્વાર્ટર્સમાં ઘૂસી જવાના આક્ષેપ 

આ ચકચારી ઘટના ગઈકાલની હોવાનું જાણવા મળ્યું છે. ભોજનાલય નજીક આવેલા સ્ટાફ ક્વાર્ટર્સના પ્રતિબંધિત વિસ્તારમાં આ બે નાના બાળકો કોઈ કારણસર ઘૂસી ગયા હોવાના આક્ષેપ સાથે ત્યાં હાજર કર્મચારીઓ આકરા પાણીએ થયા હતા. અંબાજી મંદિરની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા સિક્યુરિટી ગાર્ડ્સ અને સ્ટાફની હાજરી હોવા છતાં, કોઈ પણ ડર વગર બાળકોને જાહેરમાં ઢોર માર મારી અમાનવીય સજા આપવામાં આવી હતી, જેણે તંત્રની ક્રૂરતા ઉજાગર કરી છે.

ગુનેગાર કર્મચારીઓ સામે કાર્યવાહીની માગ

હાલ આ હૃદયદ્રાવક વીડિયો અંબાજી સહિત સમગ્ર ગુજરાતમાં વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે આ 'તાલીબાની સજા' કોના ઈશારે અને કોની મંજૂરીથી આપવામાં આવી? જો બાળકોને આવી ભયાનક સજા આપનાર વ્યક્તિ મંદિરનો જ જવાબદાર કર્મચારી કે સિક્યુરિટી ગાર્ડ હશે, તો શું પોલીસ તેની સામે ગુનો નોંધીને કાયદેસરની અટકાયત કરશે? લોકમાંગ ઉઠી રહી છે કે પોલીસ આ મામલે તાત્કાલિક સુઓમોટો સંજ્ઞાન લઈ નરાધમો સામે કડક પગલાં ભરે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો