અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીના તહેવાર માટે દેશી હર્બલ ફટાકડા (કોકડા) બનાવતી વખતે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. સાવરકુંડલામાં કોકડા બનાવવા માટે દારૂગોળો તૈયાર કરતી વખતે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક ઘંટીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. દારૂગોળાના ધડાકા અને આગની લપેટમાં આવી જતાં ત્યાં કામ કરી રહેલો ૧૭ વર્ષીય કિશોર કિશન બાબુભાઈ મકવાણા ગંભીર રીતે દાઝી ગયો હતો.

સારવાર દરમિયાન કિશોરે દમ તોડ્યો

અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા કિશન મકવાણાને ત્વરિત સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 વર્ષીય કિશનનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાનો હૃદયદ્રાવક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સમગ્ર બનાવ અંગે કાનૂની કામગીરી અને કાગળો હાથ ધરવા સાવરકુંડલા ટાઉન પોલીસની ટીમ રાજકોટ માટે રવાના થઈ ગઈ છે.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી 

આ કરુણ ઘટના બાદ સાવરકુંડલા શહેરમાં કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર જ ગેરકાયદેસર રીતે ફટાકડા અને કોકડા બનાવવામાં આવતા હોવાનો ધડાકો થયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, શહેરમાં અનેક સ્થળોએ સુરક્ષાના કોઈ પણ સાધનો રાખ્યા વિના આવા જોખમી કારખાનાઓ ચાલી રહ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો