અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક અત્યંત ચકચારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક સગીર વયની કિશોરી જ્યારે કુદરતી હાજતે ગઈ હતી, ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર વયના કિશોરે તેને એકલતાનો લાભ ઉઠાવી ઝાડીઓમાં ખેંચી લીધી હતી. સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

નરાધમે ધમકી આપી આચર્યું પાપ

ભોગ બનનાર માસૂમ સગીરાએ હુમલાખોર કિશોર સામે "હું હજુ નાની છું, મને રહેવા દે" તેમ કહીને ધ્રુસકે-ધ્રુસકે રડીને ભારે કરગરી હતી અને આજીજી કરી હતી. આમ છતાં, નરાધમ કિશોરનું હૃદય પીગળ્યું નહોતું અને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આ કિશોરે અગાઉ પણ એકવાર સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તે સમયે ધમકી આપી હતી કે, "જો તું આ બાબતે કોઈને પણ વાત કરીશ, તો તને જાનથી મારી નાખીશ." આ ધમકીના ડરથી સગીરા લાંબા સમય સુધી મૌન રહી હતી.

દાદાની ફરિયાદ બાદ પોલીસે કિશોરને ડિટેઈન કર્યો

આખરે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ભોગ બનનાર સગીરાના દાદાએ હિંમત દાખવીને રાજુલા પોલીસ મથકમાં નરાધમ સગીર સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજુલા પોલીસે તાત્કાલિક ધોરણે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર કિશોરને રાઉન્ડઅપ એટલે કે ડિટેઇન કરી લીધો છે અને આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો