અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદના દુધાળા ગામ નજીક આવેલા નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડી રહેલા એક ફોર વ્હીલ વાહનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવીને સામેથી આવી રહેલી એક્ટિવા ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
આ ગંભીર અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક એક્ટિવા ચાલક ઉના વિસ્તારના રહેવાસી હોવાનું અને તેમનું નામ વાલજીભાઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે અન્નદાતા અને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
