અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સવારથી જ ભારે ગરમી અને અસહ્ય બફારાનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેનાથી સ્થાનિક લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા. જોકે, બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફાર બાદ ટીંબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી હતી.

ટીંબી, છેલણા અને હેમાળ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી
જાફરાબાદ તાલુકાના ટીંબી, છેલણા અને હેમાળ સહિતના આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાંને કારણે સમગ્ર વિસ્તારમાં પવન સાથે ઠંડક પ્રસરી ગઈ હતી. ધોમધખતા તાપ બાદ વાતાવરણ અચાનક આહલાદક બની જતાં સ્થાનિક ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

મોલ સુકાવાની ભીતિ વચ્ચે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
આમ તો આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી વરસાદની ચાતક ડોકે રાહ જોઈ રહ્યા હતા. પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હતી તેવા સમયે જ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી હતી. આ વરસાદી ઝાપટાં પાક માટે અમૃત સમાન સાબિત થશે તેવી આશા સાથે ખેડૂત આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો