અમરેલી જિલ્લામાં અવારનવાર વન્યજીવોના માનવ વસવાટમાં આવવાની અને માનવ હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે નાની કુકાવાવ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાની કુકાવાવ અને લાખાપાદર ગામની સીમમાં આવેલા ખેતરમાં કામ કરી રહેલા એક ખેત મજૂર પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથક અને ખેડૂતોમાં ભારે દહેશત તથા ભયનો માહોલ વ્યાપી ગયો છે.
કપાસના ખેતરમાંથી આવીને પીઠ પર કર્યો ગંભીર વાર
ખેત મજૂર કપાસના પાકમાં કામ કરી રહ્યો હતો તે સમયે કપાસના છોડ વચ્ચે છુપાયેલી સિંહણે અચાનક બહાર આવીને મજૂર પર પીઠ પાછળથી ગંભીર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈ ગયેલા મજૂરે હિમ્મત દાખવીને બૂમાબૂમ કરી મૂકતાં સિંહણ ગભરાઈને સ્થળ પરથી નાસી છૂટી હતી. ઈજાગ્રસ્ત ખેત મજૂરને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
