અમરેલી જિલ્લાના ધારી-બગસરા નેશનલ હાઈવે રોડ પર આવેલા ડાંગાવદર ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી રાજુલા તરફ જઈ રહેલું ખાધ્ય તેલ ભરેલું ટેન્કર અચાનક ચાલકના કાબૂ બહાર જતાં રસ્તા પર જ પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારી જતાં જ તેમાંથી હજારો લીટર તેલ રસ્તા પર ઢોળાઈ જતાં ચોમેર તેલની રેલમછેલ થઈ ગઈ હતી અને વાહનવ્યવહાર પણ થોડો સમય ખોરવાયો હતો.

લોકો તેલ ભરીને ઘરે લઈ ગયા

અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતાં વાહનચાલકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા ડ્રાઈવરને મદદ કરવાના બદલે લોકોમાં તેલની લૂંટ ચલાવવાની હોડ જામી હતી. વીડિયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો ઘરના ડોલ, તપેલી કે જે વાસણ હાથમાં આવ્યું તે લઈને ઢોળાઈ રહેલું તેલ ઘરભેગું કરવા મચી પડ્યા હતા. નોંધનીય છે કે અગાઉ 8 દિવસ પહેલાં પણ બગસરા પાસે તેલનું ટેન્કર પલટતાં આવી જ ઘટના બની હતી.

ધારી PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટના અંગેની જાણ થતાં જ ધારી પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને લૂંટ મચાવી રહેલા લોકોને દૂર ખેદડી મુક્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી. પોલીસે ક્રેનની મદદથી પલટી મારી ગયેલા ટેન્કરને ખસેડીને અકસ્માત અંગેની વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો