અમરેલી પંથકમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના પીપાવાવ નેશનલ હાઈવે પર સાવરકુંડલા નજીક આવેલા બાઢડા ગામ પાસે LPG ગેસ ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. આ ટેન્કર પીપાવાવ પોર્ટથી બાબરા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કોઈ મોટો અનર્થ ટાળવા માટે સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.
ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા અને અમરેલીની ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક વહીવટી અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સદભાગ્યે આ ગંભીર અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવરને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી, જેથી મોટો જીવસાખમ ટળી ગયો હતો. ગેસ લીકેજની સંભાવનાને ધ્યાનમાં રાખીને ફાયર ટીમો દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી વાતાવરણ સુરક્ષિત રાખી શકાય અને આગ કે અન્ય જોખમને નિવારી શકાય.
