અમરેલી જિલ્લાના ચીતલ ગામે વંદે ભારત ટ્રેનને સત્તાવાર સ્ટોપેજ મંજૂર થતાં આજે ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે ટ્રેનના વધામણા કરવામાં આવ્યા હતા. જોકે, બીજી તરફ લાઠી શહેરને આ આધુનિક ટ્રેનનો સ્ટોપ ન મળતાં સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી અને રોષની લાગણી જન્મી છે. ચીતલમાં ટ્રેનના એરાઇવલ વખતે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ બાજુમાં જ આવેલા ઐતિહાસિક અને મહત્વના લાઠી શહેરને બાદ કરી દેવામાં આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

દિગ્ગજ નેતાઓ લાઠીના હોવા છતાં ઉપેક્ષા 

સ્થાનિક લોકોમાં આક્રોશનું મુખ્ય કારણ એ છે કે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પોતે પણ લાઠી તાલુકા સાથે જ સંબંધ ધરાવે છે. આટલા પ્રભાવશાળી રાજકીય નેતાઓ હોવા છતાં લાઠી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપાવી શકાયું નથી. નેતાઓની નિષ્ક્રિયતા સામે પ્રજામાં ભારે ગણગણાટ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

આગેવાનોના 'અભરખા' સામે જનરોષ 

એક તરફ લાઠીને સ્ટોપેજ ન મળવાને કારણે સમગ્ર વિસ્તારની જનતામાં ઉગ્ર નારાજગી પ્રસરી છે, ત્યારે બીજી તરફ લાઠી ભાજપના આગેવાનો ત્યાંથી પસાર થતી ચાલતી ટ્રેન પર ફૂલ ઉછાળીને વધામણા કરવા ઉત્સુક દેખાતાં લોકોમાં ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશો અને વેપારીઓનું કહેવું છે કે સ્ટોપ વગર માત્ર ટ્રેનને વધાવવાના તાયફા કરવાના બદલે નેતાઓએ રેલવે મંત્રાલયમાં રજૂઆત કરીને લાઠીને કાયમી સ્ટોપેજ અપાવવું જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો