Amreli News: ધારીના ગોવિંદપુરમાં SBI બેન્કમાં ગોલ્ડ લોન બાબતે તોડફોડ!
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની શાખામાં એક અત્યંત ઉશ્કેરણીજનક અને હિંસાત્મક ઘટના સામે આવી છે. ગોવિંદપુર ગામના જ સિદ્ધાર્થ સતાસિયા નામના શખ્સે બેન્કમાં આવીને ભારે હોબાળો મચાવ્યો હતો. બેન્કમાંથી ગોલ્ડ લોનના દાગીના છોડાવવા બાબતે માથાકૂટ કરીને આ શખ્સે બેન્ક મેનેજર સાથે ગાળાગાળી કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉશ્કેરાયેલા શખ્સે બેન્ક અંદર આવેલી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું.
કમ્પ્યુટર અને દરવાજાના કાચ તોડી રૂ.2.30 લાખનું નુકસાન
આરોપી સિદ્ધાર્થ સતાસિયાએ બેન્ક અંદર આવેલ કમ્પ્યુટર તેમજ પ્રવેશદ્વાર અને બારીઓના કાચમાં તોડફોડ કરીને કુલ રૂ.2,30,000 (બે લાખ ત્રીસ હજાર) નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ તોડફોડ દરમિયાન ઊડેલા કાચના ટુકડા બેન્ક મેનેજર કુણાલભાઈ રાઠોડને વાગતાં તેમના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પવિત્ર બેન્કિંગ પરિસરમાં થયેલી આ મારામારી અને તોડફોડના કારણે બેન્ક કર્મચારીઓ અને ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
બેન્ક મેનેજરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને બેન્ક મેનેજર કુણાલભાઈ રાઠોડે તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશનમાં દોડી જઈને આરોપી સિદ્ધાર્થ સતાસિયા વિરુદ્ધ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરકારી બેન્કમાં તોડફોડ, ફરજમાં રૂકાવટ, મારપીટ અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. ધારી પોલીસની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અને સમગ્ર માક્રૂટેજ અને પુરાવા એકત્ર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો