અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. લાઠીના ચાંવડ અને ગળકોટડી ગામ નજીકથી પસાર થઈ રહેલી એક પેસેન્જર ભરેલી છકડો રિક્ષા અચાનક રોડ પર પલટી મારી ગઈ હતી. છકડો રિક્ષાના ચાલકે પૂરપાટ ઝડપે જઈ રહેલા વાહન પરથી અચાનક કાબૂ ગુમાવી દેતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ રોડ પર મુસાફરોની ચીસાચીસથી અરેરાટી વ્યાપી ગઈ હતી.


7 મુસાફરો લોહીલુહાણ, સ્થાનિકો મદદે દોડી આવ્યા

આ કાળજું કંપાવી દેનારા અકસ્માત સમયે છકડો રિક્ષામાં સવાર મુસાફરોમાંથી અંદાજે સાત જેટલા લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માતનો લાઈવ મંજર જોતા જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

ઈજાગ્રસ્તોને બાબરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક લોકોએ માનવતા મહેકાવીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ 7 ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે બાબરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પેસેન્જરોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

નિયમોના ધજાગરા: લોડિંગ વાહનમાં પેસેન્જર બેસાડતા ઉઠ્યા સવાલ

આ અકસ્માત બાદ માલસામાનની હેરફેર માટે વપરાતા લોડિંગ વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ પેસેન્જરોને બેસાડવાના કારણે ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. કમાણીની લાલચમાં માનવ જિંદગી જોખમમાં મૂકતા આવા વાહનચાલકો સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, અકસ્માતના કારણે હાઈવે પર ઘટના સ્થળે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેના લીધે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


આ પણ વાંચો - Amreli: ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામેથી 5 વર્ષના માસૂમ બાળકને સિંહણ ઉઠાવી ગઈ


  • Follow us on: