અમરેલી જિલ્લો સામાન્ય રીતે મધ્યમ વરસાદ અને પાણીની અછત વાળા વિસ્તારોમાં ગણાય છે, પરંતુ યોગ્ય આયોજન અને લોકભાગીદારીથી પ્રકૃતિનો ચહેરો કેવી રીતે બદલી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ લાઠીની ગાગડિયા નદી પૂરું પાડી રહી છે. ચાલુ ચોમાસાની સિઝનમાં સમગ્ર અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થતાં લાઠી પંથકમાંથી પસાર થતી ગાગડિયા નદી તેના પૂરબહાર યૌવનમાં ખીલી ઊઠી છે. ચોમાસાની આ સિઝનમાં સૌપ્રથમ વાર આ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લીલીછમ પ્રકૃતિની વચ્ચે વહેતા નદીના નીર અને વિશાળ જળરાશિ જોવા મળી રહી છે. આ નયનરમ્ય અને આહલાદક નજારો જોતા જ મનને શાંતિ અને તૃપ્તિનો અદભુત અનુભવ થાય છે.

લીલીછમ પ્રકૃતિની વચ્ચે વહેતા નદીના નીર

https://www.instagram.com/reel/Damfl5Uk1_-/?utm_source=ig_web_button_share_sheet

પદ્મશ્રી સવજી ધોળકિયાની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ

ગાગડિયા નદીનું આ સ્વરૂપ માત્ર કુદરતી વરસાદનું પરિણામ નથી, પરંતુ તેની પાછળ સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને તેમની ટીમ દ્વારા પાછલા વર્ષોમાં કરાયેલી ભગીરથ મહેનત છુપાયેલી છે. લાઠી વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવા માટે સવજીભાઈ દ્વારા મોટા પાયે નદી ઊંડી કરવાની, ચેકડેમો બનાવવાની અને તળાવોના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જળ સંચય અભિયાનના કારણે આ વર્ષે નદીમાં કરોડો લીટર પાણીનો વિરાટ જથ્થો સંગ્રહિત થયો છે. નદી ક્યાંય પણ સુકી ભઠ્ઠ દેખાવાને બદલે પાણીના વિશાળ સરોવર જેવી ભાસી રહી છે.

હજારો ખેડૂતો માટે આશીર્વાદ સમાન જળ સંગ્રહ

ગાગડિયા નદીમાં આટલી મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થવાને કારણે આસપાસના ડઝનબંધ ગામોના હજારો ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. નદી કિનારાના વિસ્તારોના ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ ઊંચા આવી ગયા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોના કૂવા અને બોર પાણીથી છલકાયા છે. આ અખૂટ જળરાશિના કારણે ખેડૂતો ખરીફ પાકની સાથે-સાથે રવિ પાક (શિયાળુ પાક) પણ ખૂબ જ સરળતાથી અને વિપુલ પ્રમાણમાં લઈ શકશે. પંથકમાં પીવાના પાણીની સમસ્યા પણ જળમૂળમાંથી નાબૂદ થઈ છે. લાઠી પંથકની પ્રજા આ જળ ક્રાંતિ માટે કુદરતની સાથે-સાથે સવજીભાઈ ધોળકિયાની ભગીરથ કામગીરીનો પણ હૃદયપૂર્વક આભાર માની રહી છે.

આ પણ વાંચો: Patan: રાધનપુરમાં રહેણાંક મકાનમાં SOGના દરોડા, 9.690 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 2 પેડલર ઝડપાયા