અમરેલી જિલ્લાના લીલીયા મોટા ખાતે આવેલા સિવિલ પ્લોટ વિસ્તારની આંગણવાડી નંબર-11માં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ચાલુ આંગણવાડીએ અચાનક એક અત્યંત ઝેરી કોબ્રા સર્પ (નાગ) નીકળ્યો હતો. વર્ગખંડમાં સર્પ દેખાતાં જ નાનકડા ભૂલકાઓ અને સ્ટાફમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

વન્યજીવ પ્રેમી ચિરાગભાઈ રાણવાએ હાથ ધર્યું રેસ્ક્યુ

આંગણવાડીમાં કોબ્રા સર્પ દેખાતાં જ સંચાલિકા રંજનબહેને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સ્થાનિક વન્યજીવ પ્રેમી ચિરાગભાઈ રાણવાને ફોન કરીને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ચિરાગભાઈ રાણવા પોતાના જરૂરી સાધનો સાથે આંગણવાડી ખાતે દોડી આવ્યા હતા. તેમણે ભારે જહેમત અને સાવચેતીપૂર્વક ઝેરી કોબ્રાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.

મોટી હોનારત ટળી, સર્પને સીમ વિસ્તારમાં મુક્ત કરાયો

રેસ્ક્યુ કરવામાં આવ્યા બાદ કોબ્રા સર્પને વનવિભાગના નિર્દેશ હેઠળ સુરક્ષિત કુદરતી આવાસ (સીમ વિસ્તાર) માં મુક્ત કરી દેવામાં આવ્યો હતો. વન્યજીવ પ્રેમી ચિરાગભાઈ રાણવાની સમયસરની અને સરાહનીય કામગીરીથી આંગણવાડીમાં સર્જાયેલું મોટું જોખમ ટળ્યું હતું, જેના પગલે બાળકો, શિક્ષકો અને વાલીઓએ મોટી રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો