અમરેલી જિલ્લાના ચાંદગઢ સીમ વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. વન વિભાગના ત્રણ ટ્રેકર્સની ટીમ જ્યારે પોતાના રૂટિન મુજબ સીમ વિસ્તારમાં સ્કેનિંગ અને ચોકીયાતની કામગીરી કરી રહી હતી, ત્યારે અચાનક એક સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, આ સિંહણ શેત્રુંજી નદી પાર કરીને આ વિસ્તારમાં આવી પહોંચી હતી અને અચાનક સામે આવી જતાં ટ્રેકર્સ પર ત્રાટકી હતી.
ટ્રેકર ગોસાભાઈ હુમલામાં ઈજાગ્રસ્ત
સિંહણના આ અચાનક હુમલામાં વન વિભાગના ટ્રેકર ગોસાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સાથે રહેલા અન્ય ટ્રેકર્સે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ગોસાભાઈને સિંહણના પંજામાંથી છોડાવ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
