અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતેથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનની અંદર આવેલી મેસ બિલ્ડિંગમાં ફરજ બજાવતા એક જવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કોસ્ટગાર્ડ કેમ્પસમાં જવાને આત્યંતિક પગલું ભર્યાના સમાચાર ફેલાતા જ સમગ્ર કોસ્ટગાર્ડ સ્ટાફમાં અરેરાટી અને સન્નાટો છવાઈ ગયો હતો.
પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં જવાને કર્યો આપઘાત
આપઘાત કરનાર મૃતક જવાનની ઓળખ ધાર્મિક શાંતિલાલ કોટડીયા (ઉંમર 28 વર્ષ) તરીકે થઈ છે, જેઓ મૂળ જૂનાગઢના રહેવાસી હતા અને પીપાવાવ ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં સિપાઈ તરીકે સેવા આપતા હતા. ઘટના અંગેની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસની ટુકડી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે જવાનના મૃતદેહને કબજે કરી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
