અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-સોમનાથ હાઇવે પર આવેલા રાજુલાના હિંડોરણા નાના બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસ અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, મહુવા ડેપોની મહુવા-ઉના રૂટની એક્સ્ટ્રા એસટી બસ અને પેસેન્જર રિક્ષા વચ્ચે આ ટક્કર થઈ હતી. સદનસીબે, નેશનલ હાઇવે પર આવેલા ડિવાઇડરના કારણે એક મોટી અને ગંભીર જાનહાની થતી અટકી ગઈ હતી.

રિક્ષામાં સવાર ચાર મુસાફરોને પહોંચી ઈજાઓ

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, રિક્ષામાં મુસાફરી કરી રહેલા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે ભારે ભીડ જમા થઈ ગઈ હતી.

Amreli News: 4 Injured as ST Bus and Auto-Rickshaw Collide on Bhavnagar-Somnath Highway in Rajula

112 અને પોલીસ ટીમ ઘટના સ્થળે, ઈજાગ્રસ્તો રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઈમરજન્સી સેવા 112 અને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત થયેલા ચારેય મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે રાજુલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Amreli News: ધારી ગીર પંથકમાં સિંહોની પજવણીનો Video વાયરલ! 5 સિંહ પાછળ દોડાવી કાર