ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચેનો સંઘર્ષ દિનપ્રતિદિન વધુ ભયાનક અને લોહિયાળ બની રહ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ચાર પગવાળા હિંસક વન્યજીવનો આતંક સામે આવ્યો છે. અમરેલી તાલુકાના સણોસરા ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના માત્ર 8 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ ખૂંખાર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કપાસના ખેતરમાં રમી રહેલા બાળક પર અચાનક ત્રાટકેલા દીપડાએ તેને ગળાના ભાગેથી પકડીને ઊભા પાકમાં ખેંચી ગયો હતો, જ્યાં ગંભીર ઈજાઓ થવાથી બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કપાસમાં રમતા રમતા કાળ આંબી ગયો
સણોસરા ગામની સીમમાં આવેલી વાડીમાં પરપ્રાંતીય શ્રમિક પરિવાર કપાસ વીણવા સહિતની ખેતમજૂરીનું કામ કરી રહ્યો હતો. અંદાજે 8 વર્ષનો સાહિલ હરેશભાઇ નામનો બાળક ખેતરમાં કપાસના છોડવાઓ વચ્ચે રમી રહ્યો હતો. તે દરમિયાન નજીકની ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ માસૂમ સાહિલ પર અચાનક તરાપ મારી હતી.પરિવારજનો કંઈ સમજે કે બચાવવા દોડે તે પહેલાં જ દીપડો બાળકને મોઢામાં દબોચીને ખેતરમાં દૂર સુધી ખેંચી ગયો હતો. પરિવારે બૂમાબૂમ કરી પાછળ દોટ મૂકતાં દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં માસૂમ સાહિલનો જીવ જતો રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકના ક્ષત-વિક્ષત મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
