અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા અંટાળીયા ગામ નજીક બનેલી ચકચારી સિંહ પજવણી અને હુમલાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ ધરપકડ કરાયેલા બે આરોપીઓને સાવરકુંડલા સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આદેશ બાદ સિંહની પજવણી કરનારા બંને આરોપીઓ સબજેલમાંથી મુક્ત થઈ ગયા છે.
પજવણી કરનારા મિત્રને સિંહે ફાડી ખાધો હતો
આ મામલાની હકીકત એવી છે કે, અંટાળીયા ગામની સીમમાં 21 વર્ષીય સોહિલ મૂંઝાવર નામના યુવક સહિત તેના અન્ય મિત્રોએ સિંહની જોખમી પજવણી કરી હતી. આ પજવણીથી ઉશ્કેરાયેલા સિંહે હુમલો કરીને સોહિલ મૂંઝાવરને કમકમાટીભર્યા મોતને ઘાટ ઉતાર્યો હતો (ફાડી ખાધો હતો). આ ગંભીર ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને સિંહને ઉશ્કેરવા તથા પજવણી કરવાના ગુનામાં સોહિલની સાથે આવેલા અન્ય બે શખ્સો યશરાજ વાજા રાઠોડ અને રેહાનખાન પઠાણની સત્તાવાર ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા હતા.
