અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામ અને તેની સીમ વિસ્તારમાં એક સિંહણ આતંકનું પર્યાય બની ગઈ છે. સામાન્ય રીતે માનવ વસ્તીથી દૂર રહેતી સિંહણ અત્યારે અતિશય આક્રમક બની ચારે તરફ દોડીને માણસો પર જીવલેણ હુમલા કરી રહી છે. અત્યાર સુધીમાં સિંહણે કુલ 5 લોકો પર ખૂંખાર હુમલો કર્યો છે. સૌથી ગંભીર બાબત એ બની કે સિંહણને પકડવા માટે મેદાને ઉતરેલી વનવિભાગની ટીમ પર જ સિંહણે હુમલો કરી દીધો હતો, જેમાં એક ફોરેસ્ટ ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા છે.

અરજણસુખ ગામે સિંહણે હુમલો કર્યો

https://x.com/sandeshnews/status/2105899553899860056/video/1

બાઈક સવાર યુવકો પર જીવલેણ હુમલો

પ્રાપ્રાપ્ત વિગતો અનુસાર, સવારે બે બાઈક સવાર યુવકો અને ત્યારબાદ સીમમાં કામ કરતા અન્ય બે ખેડૂતો પર હુમલો કર્યા બાદ DCF ચિરાગ અમીનના આદેશથી વનવિભાગે સિંહણને ટ્રાન્ક્યુલાઇઝ (બેહોશ) કરવાનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.જોકે, રેસ્ક્યૂ ટીમ જ્યારે ઘેરાબંધી કરી રહી હતી ત્યારે સિંહણે અચાનક ઝાડીઓમાંથી ધસી આવી વનવિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. સાથી કર્મચારીઓએ ભારે જહેમત બાદ તેમને સિંહણના પંજામાંથી છોડાવી તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

સીમ વિસ્તારમાં વધુ બે લોકો પર હુમલો

સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સિંહણની 100 મીટર નજીક જવું પણ વનકર્મીઓ માટે જીવનું જોખમ બની ગયું છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય હસ્તક્ષેપ કર્યો છે. તેમણે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને તાબડતોબ ગીર અને આસપાસના વિસ્તારોમાંથી અનુભવી ટ્રેકર્સ અને શાર્પ શૂટર્સની વિશેષ ટીમો બોલાવી સિંહણને સત્વરે પાંજરે પૂરવા આદેશ આપ્યો છે.વનવિભાગ દ્વારા સીમ વિસ્તારમાં અવરજવર સદંતર બંધ કરવા અને ખેડૂતો તેમજ ગ્રામજનોને ઘરોમાં જ સુરક્ષિત રહેવા કડક તાકીદ કરવામાં આવી છે.

વન વિભાગનો મોટો કાફલો તૈનાત

આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ વન વિભાગની ટીમો હરકતમાં આવી ગઈ છે. ACFના જણાવ્યા અનુસાર, સ્થિતિની ગંભીરતા જોતાં વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કરી દેવાયો છે. હિંસક બનેલી સિંહણને તાત્કાલિક ટ્રાન્ક્વીલાઈઝ (બેહોશ) કરી પાંજરે પૂરવા માટે વેટરનરી ડોક્ટરોની સ્પેશિયલ ટીમ પણ બોલાવાઈ છે. ગ્રામજનોને સીમ વિસ્તારમાં એકલા ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Dwarka: કલ્યાણપુરના માદેવીયા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ધડાધડ ફાયરિંગ, 2 લોકો લોહીલુહાણ