અમરેલી જિલ્લાના વડિયા પંથક સ્થિત અરજણસુખ ગામ અને આસપાસની સીમમાં છેલ્લા કેટલાક કલાકોથી ભયનો માહોલ સર્જનારી સિંહણને લઈને સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડ સહિત કુલ 5 વ્યક્તિઓ પર એક પછી એક જીવલેણ હુમલો કરનારી અત્યંત આક્રમક અને વિફરેલી સિંહણને વનવિભાગની ટીમે પોતાના જીવના જોખમે આખરે ટ્રાન્ક્યુલાઇઝ (બેહોશ) કરી સુરક્ષિત રીતે પાંજરે પૂરી લીધી છે.

 DCF અને ACFની આગેવાનીમાં ઓપરેશન પાર પડ્યું

સિંહણ માણસોને જોતાં જ દોટ મૂકી સીધા પંજા મારતી હોવાથી સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો પર વધુ ઘાતક હુમલા થાય તેવી પૂરી શક્યતા હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને DCF ચિરાગ અમીન અને ACF રાજન જાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, રેસ્ક્યૂ ટીમના કર્મચારીઓ તેમજ સ્પેશિયલ વેટરનરી ડોક્ટરોની ટીમે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર જંગલ વિસ્તારને કોર્ડન કર્યો હતો.સિંહણ ગમે તે ક્ષણે હુમલો કરી શકે તેવી જોખમી સ્થિતિ વચ્ચે નિષ્ણાત ટીમે દૂરથી સચોટ નિશાન સાધી ડાર્ટ માર્યો હતો. ગણતરીની મિનિટોમાં દવા અસર કરતાં સિંહણ બેહોશ થઈ ઢળી પડી હતી, ત્યારબાદ તાબડતોબ તેને સાવચેતીપૂર્વક પાંજરામાં પૂરી લેવામાં આવી હતી.

હુમલાખોર બનવા પાછળનું કારણ શું? હેલ્થ ચેકઅપ શરૂ

સામાન્ય રીતે સિંહ કે સિંહણ સામેથી માનવ વસ્તી પર અકારણ તૂટી પડતાં નથી. આ સિંહણ કેમ આટલી હિંસક બની અને એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓ પર હુમલા કર્યા, તે દિશામાં વનવિભાગે તપાસ હાથ ધરી છે.વનવિભાગના તબીબો દ્વારા સિંહણનું સંપૂર્ણ મેડિકલ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તે કોઈ બીમારીથી પીડાઈ રહી છે, ઈજાગ્રસ્ત છે કે પછી કોઈ અન્ય કારણોસર છંછેડાઈ ગઈ હતી, તેનો રિપોર્ટ આવ્યા બાદ જ વાસ્તવિક કારણ સામે આવશે. સિંહણ પાંજરે પુરાતા અરજણસુખ સહિતના પંથકના ખેડૂતો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો: Rajkot: સાટાખતના નામે દસ્તાવેજ કરાવી ખેડૂતોને કંગાળ બનાવ્યા! અલ્પેશ દોંગા ટોળકી સામે વધુ 8 ગુના નોંધવાની તજવીજ તેજ