આણંદ જિલ્લાના બોરસદમાં મેઘરાજાએ મન મૂકીને વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં જ બોરસદમાં આશરે 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના પ્રખ્યાત બાટલા તળાવ અને વન તળાવ ઓવરફ્લો થઈ જતાં તળાવના પૂરના પાણી રોડ-રસ્તા પર ફરી વળ્યા હતા. સૂર્યમંદિર-તાલુકા પંચાયત રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી હતી. આ ઉપરાંત તોરણાવ માતા સીમ, અક્ષરનગર અને સિંગલાવ રોડ સહિતના તમામ વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા.

સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, રહીશો બેહાલ

મુશળધાર વરસાદ અને તળાવોના ઓવરફ્લો થવાથી પાણીનો નિકાલ ન થતાં આણંદ ચોકડી નજીક આવેલી ઝવેરી હાઇટ્સ સહિતની અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરોમાં અને સોસાયટીના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને રોજિંદી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકી પડી છે, જેના કારણે સામાન્ય જનજીવન પર માતબર અસર પડી છે.

તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનના દાવાઓની પોલ ખુલતા આક્રોશ

માત્ર એક જ દિવસના ભારે વરસાદે બોરસદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રી-મોન્સૂન પ્લાનિંગ અને કામગીરીના કાગળ પરના દાવાઓની પોલ ખોલી નાખી છે. નગરપાલિકાના પોકળ દાવાઓનો પરપોટો ફૂટી જતાં સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા અગાઉ ડ્રેનેજ અને તળાવોની સફાઈ યોગ્ય રીતે ન થઈ હોવાના કારણે આવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પંપો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો