અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક આવેલા ભાલેજ બ્રિજ નીચે વહેલી સવારના સમયે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલી એક લક્ઝરી બસને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી હાઈડ્રો ક્રેને જોરદાર ટક્કર મારી હતી. વહેલી સવારના શાંત માહોલમાં ધડાકાભેર અવાજ થતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ક્રેન, લક્ઝરી બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માત

હાઈડ્રો ક્રેનની ટક્કર એટલી પ્રચંડ હતી કે સાઈડમાં ઉભેલી લક્ઝરી બસ ધક્કા સાથે આગળ ધસી ગઈ હતી અને આગળ ઉભેલા એક ઓઈલ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આમ, હાઈડ્રો ક્રેન, લક્ઝરી બસ અને ઓઈલ ટેન્કર એમ 3 ભારેખમ વાહનો એકબીજા સાથે અથડાતાં હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ઓઈલ ટેન્કરમાં કોઈ મોટી દુર્ઘટના કે આગ લાગવાની ઘટના ન બનતા મોટી જાનહાનિ ટળી હતી.

બસના પતરામાં ફસાયા 2 મુસાફરો

આ ભયાનક ટક્કરને કારણે લક્ઝરી બસના આગળના અને પાછળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સમયે બસમાં સવાર 2 વ્યક્તિઓ બસના વળી ગયેલા પતરા અને સીટ વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયા હતા. બસમાં ફસાયેલા મુસાફરોની ચીસાચીસ સાંભળીને ઘટનાસ્થળે એકત્ર થયેલા રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

Anand News: Triple Accident on Ahmedabad-Vadodara Expressway Near Anand; 2 Rescued by Fire Brigade

ERV વાહન સાથે ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માતનો કોલ મળતાની સાથે જ કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમ અત્યાધુનિક ERV (ઈમરજન્સી રેસ્ક્યુ વિહિકલ) સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સમયસૂચકતા વાપરીને કટર અને રેસ્ક્યુ સાધનોની મદદથી બસના પતરા કાપીને બસમાં ફસાયેલા બંને વ્યક્તિઓને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

Anand News: Triple Accident on Ahmedabad-Vadodara Expressway Near Anand; 2 Rescued by Fire Brigade

ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ફાયર બ્રિગેડની ટીમે બંને વ્યક્તિઓનો જીવ બચાવી લીધા બાદ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમે પહોંચીને પૂર્વવત કરાવ્યા હતા.


આ પણ વાંચો: Anand News: ઉમરેઠ-નડિયાદ રોડ પર મોતનો વળાંક, ડાયવર્ઝનમાં બાઈક ઘૂસી જતા ચાલકનું મોત