ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવો વધુ એક કિસ્સો આણંદ શહેરમાંથી સામે આવ્યો છે. રવિવારે રાત્રે આણંદના ભરચક ગણાતા સરદારબાગ પોલીસ ચોકી પાસે ડ્રિંક એન્ડ ડ્રાઇવની એક ભયાનક ઘટના ઘટી છે. અહીં દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત એક બેફામ કાર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક નિર્દોષ યુવતીને જોરદાર ટક્કર મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસ ચોકીની બિલકુલ નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય એક કારની પાછળ પોતાની કાર ધડાકાભેર અથડાવી દીધી 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલક એટલો બધો નશામાં હતો કે યુવતીને ટક્કર માર્યા બાદ પણ કાર રોકાઈ ન હતી અને તેણે આગળ ઊભેલી અન્ય એક કારની પાછળ પોતાની કાર ધડાકાભેર અથડાવી દીધી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તરફડતી યુવતીને ત્વરિત સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

કાર ચાલકે લોકોની સામે જાહેરમાં જ કબૂલાત કરી 

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સર્જ્યા બાદ પકડાયેલા કાર ચાલકે લોકોની સામે જાહેરમાં જ કબૂલાત કરી હતી કે તે દારૂના નશામાં ચૂર હતો અને નશામાં જ ગાડી ચલાવી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરીને તેને ટાઉન પોલીસ મથકે લઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધીને ચાલકનું મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો   :  Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં