આણંદના બહુચર્ચિત અને ચકચારી કલેક્ટર હનીટ્રેપ કેસમાં સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. કેસમાંથી મુક્તિ (ડિસ્ચાર્જ) મેળવવા માટે મુખ્ય આરોપીઓ પૈકીના એક કેતકી વ્યાસ દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ટ્રાયલ પ્રોસિડિંગ્સ પર અગાઉ આપેલી વચગાળાની રાહત પણ દૂર કરી દીધી છે.

2023નો હનીટ્રેપ કેસ અને સ્પાય કેમેરાનો ખેલ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં આણંદ ટાઉન પોલીસ મથકમાં કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવવા અંગે ગંભીર ફોજદારી ગુનો નોંધાયો હતો. આ મામલે તત્કાલીન કલેક્ટર દિલિપ ગઢવીની ચેમ્બરમાં ગુપ્ત (સ્પાય) કેમેરા ગોઠવીને તેમને બ્લેકમેલ કરવાનો આક્ષેપ હતો. આરોપીઓએ કલેક્ટરને હનીટ્રેપની જાળમાં ફસાવીને વિવાદિત જમીનોની સરકારી ફાઈલો બળજબરીથી ક્લિયર કરાવી લીધી હોવાનો ઘટસ્ફોટ તપાસ દરમિયાન થયો હતો.

નીચલી અદાલતમાં કેસ ચલાવવાનો માર્ગ ખુલ્લો

આરોપી કેતકી વ્યાસે કેસમાંથી નામ રદ કરવા (ડિસ્ચાર્જ) અગાઉ ટ્રાયલ અને સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેને ત્યાંથી ફગાવી દેવાતાં મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ ડિસ્ચાર્જ અરજી રદ કરી દેતાં અને સ્ટે હટાવી લેતાં, આણંદની નીચલી અદાલતમાં ત્રણેય આરોપીઓ સામે કાનૂની ટ્રાયલ ચલાવવાનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો