આણંદ જિલ્લામાં ચકચાર મચાવનારા રેપ વિથ મર્ડર (બળાત્કાર અને હત્યા) કેસના આરોપીના પોલીસ એન્કાઉન્ટર બાદ હવે કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીના મૃતદેહનું કરમસદ ખાતે આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (PM) શરૂ કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટ અને માનવ અધિકાર આયોગ (NHRC) ની માર્ગદર્શિકા મુજબ સમગ્ર ગંભીરતાને ધ્યાને રાખીને, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને વિડિયોગ્રાફી હેઠળ આ પેનલ પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પિતા પાસે કરાવાઈ ઓળખવિધિ
પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ કરતા પૂર્વે પોલીસ અને તબીબી ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતક આરોપીના પિતાને કરમસદ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખાસ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં પિતા પાસે મૃતક આરોપીના શવની સત્તાવાર ઓળખવિધિ (આઈડેન્ટિફિકેશન) કરાવવામાં આવી હતી.
