આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો, તેવામાં આજે અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. વાતાવરણ બદલાતાં જ ધસમસતા પવન અને કાનફાડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો.

ડાંગરના પાક માટે અમૃત સમાન વરસાદ

ઉમરેઠ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલો આ વરસાદ ખાસ કરીને ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થયો છે. સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત સમયે જ પડેલો આ વરસાદ ડાંગરના પાક માટે કુદરતી ખાતર સમાન સાબિત થતાં ધરતીપુત્રોમાં ભારે હરખ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ગરમી અને બફારામાંથી મોટી રાહત

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની મહેરબાની થતાં જ સમગ્ર ઉમરેઠ પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત બની ગયેલા સ્થાનિક નાગરિકોએ વરસાદી માહોલ સર્જાતાં મોટી રાહત મેળવી હાશકારો અનુભવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો