આણંદ જિલ્લાના ઉમેટા વિસ્તારમાંથી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાની અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજના સમયે યુવકે પોતાનું બાઇક બ્રિજ પર જ પાર્ક કર્યું હતું અને અગમ્ય કારણોસર મહીસાગર નદીના ઊંડા પાણીમાં મોતનો કૂદકો લગાવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ તંત્ર તથા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડને ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે વહેલી સવારથી મહીસાગર નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. સતત 11 કલાકથી વધુ સમય સુધી નદીના વહેણમાં સઘન બચાવ અને શોધખોળ કામગીરી ચલાવવામાં આવી હતી. અંતે ફાયર બ્રિગેડની ટીમને નદીના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 11 કલાકની ભારે મથામણ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

કોઠીયાખાડના સુનિલ પઢિયાર તરીકે થઈ ઓળખ

મહીસાગર નદીમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ કોઠીયાખાડ ગામના રહીશ સુનિલ પઢિયાર તરીકે થઈ છે. યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો સપાટી પર આવી નથી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે આંકલાવની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના સાચા કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો