આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 26 દિવસથી ચાલી રહેલી કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે. બોરસદ નગરપાલિકાના કર્મચારીઓ કાયમી કરવાની દરખાસ્ત સહિતની વિવિધ માંગણીઓને લઈને લાંબા સમયથી હડતાળ પર ઉતર્યા હતા. દરમિયાન, ઇન્ચાર્જ પ્રમુખ તરીકે સુરેશભાઈ પરમારે ચાર્જ સંભાળતા જ માત્ર એક જ કલાકમાં આ હડતાલનો સુખદ અંત આવ્યો છે, જેનાથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

દિવાળી અને બેસતા વર્ષના તહેવારો આંદોલનમાં વિત્યા

કર્મચારીઓની આ હડતાળ લાંબી ચાલવાને કારણે પાલિકાની કામગીરી પર માઠી અસર પડી હતી. પરિસ્થિતિ એવી બની હતી કે કર્મચારીઓએ પોતાના દિવાળી અને બેસતા વર્ષ જેવા પવિત્ર તહેવારો પણ ઘર પરિવાર સાથે મનાવવાના બદલે આંદોલનના મંડપમાં જ વિતાવવા પડ્યા હતા. કર્મચારીઓની આ લાંબી લડત છતાં તંત્ર દ્વારા અગાઉ કોઈ નક્કર પગલાં ન લેવાતા ભારે રોષ જોવા મળ્યો હતો.

26 દિવસ સુધી પ્રમુખ પૂર્વીબેન પટેલ નિર્ણય કેમ ન લઈ શક્યા?

આ મામલે ભાજપ શાસિત પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં પોતાની વાહવાહી લૂંટતા નેતાઓ આ 26 દિવસ દરમિયાન એકવાર પણ આંદોલન સ્થળે ડોકાયા પણ ન હતા. સવાલ એ થાય છે કે જે પ્રશ્ન ઇન્ચાર્જ પ્રમુખના આવ્યા બાદ માત્ર એક જ કલાકમાં ઉકેલાઈ ગયો, તે જ બાબતે અગાઉ પ્રમુખ પૂર્વીબેન પટેલ 26 દિવસ સુધી કેમ કોઈ નિર્ણય લઈ શક્યા ન હતા? 26 દિવસ સુધી સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા તેવો તીવ્ર રોષ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

Anand News The 26-day strike of Borsad Municipality employees ended the matter was settled with the arrival of the in-charge president

ચીફ ઓફિસર ઉમા રામાણીના મૌનથી અનેક શંકા-કુશંકાઓ

હડતાળના સમાધાન અને પ્રમુખની રજા અંગે પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં ચીફ ઓફિસર ઉમા રામાણી નિષ્ફળ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચીફ ઓફિસર ઉમા રામાણીના આ પ્રકારે મૌન ધારણ કરવાથી અનેક સવાલો ઊભા થયા છે. શું બોરસદ નગરપાલિકા માત્ર રાજકારણના ઈશારે ચાલે છે કે પછી વહીવટી જવાબદારીઓથી? આ તમામ બાબતો વચ્ચે હવે સવાલોના જવાબ કોણ આપશે તે એક મોટો પ્રશ્ન બન્યો છે.

હડતાળ પૂર્ણ થતા શહેરમાં સફાઈ અભિયાન શરૂ

હડતાળ સમેટાઈ જવાની સાથે જ શહેરમાં રાહત જોવા મળી છે. હડતાળ પૂર્ણ થતાની સાથે જ શહેરમાં તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી બંધ પડેલી સફાઈ અને અન્ય વહીવટી કામગીરી રાબેતા મુજબ શરૂ થતા નગરજનોએ હાશકારો અનુભવ્યો છે.


આ પણ વાંચો: Anand News: સોજીત્રાના ભડકદ ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત: કારણ અકબંધ!