આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકા તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના શેખડી રોડ પર આવેલા મલાવ તળાવ નજીક પાલિકા દ્વારા લાખો રૂપિયાના અધધ ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે કાંસ (ડ્રેનેજ નાળું) બનાવવામાં આવ્યો હતો. જોકે, આ કાંસ આગળ જતાં અત્યંત નાના ભૂંગળા સાથે જોડવામાં આવ્યો હોવાથી વરસાદી પાણીનો યોગ્ય જથ્થામાં નિકાલ થઈ શક્યો નહોતો. તંત્રના અણઘડ આયોજનના કારણે પાણીનો સંગ્રહ થઈને પાછળ માર્ગો પર ફરી વળ્યો હતો.

લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન, પ્રજામાં રોષ

કાંસમાંથી પાણી આગળ ન સરકતાં શેખડી રોડ અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોતજોતામાં રોડ પરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ, કિંમતી સામાન અને ઘરવખરી પલળી જતાં રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ આફતથી પાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જાગૃત નાગરિકે વિડીયો બનાવી પાલિકા તંત્રની પોલ ખોલી

આ સમગ્ર ગંભીર બેદરકારી સામે આવતાં સ્થાનિક જાગૃત નાગરિકે સ્થળ પર જઈને એક વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં લાખોના ખર્ચે બનેલા કાંસ અને આગળ મુકેલા નાના ભૂંગળાની વાસ્તવિકતા બતાવીને નગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી અને અણઘડ કામગીરી ખુલ્લી પાડી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પેટલાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે મોટા ભૂંગળા મૂકીને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે જેથી ભવિષ્યમાં લોકોએ હેરાન થવું ન પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો