આણંદ જિલ્લાના ખંભાત પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. ખંભાતના આંબાખાડના તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓનાં મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળ્યા છે, જેને જોઈને સ્થાનિક રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા છે. જળચર સજીવોના આ પ્રકારે અચાનક મોત થવા પાછળ કોઈ મોટું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઝેરી કેમિકલ છોડ્યાની પ્રબળ આશંકા
પ્રાથમિક અનુમાન મુજબ માછલીઓનાં આ અસાધારણ મોત પાછળ કોઈ અસામાજિક તત્વો કે ઔદ્યોગિક એકમો દ્વારા તળાવમાં ઝેરી કેમિકલ અથવા હાનિકારક પદાર્થ ઠાલવવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. તળાવનું પાણી ઝેરી બનવાના કારણે જ શ્વાસોશ્વાસ રૂંધાવાથી આટલી મોટી માત્રામાં માછલીઓ મૃત્યુ પામી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, જેનાથી જળચર સૃષ્ટિના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે.


