આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાને ભગાડી જવાના બહુચર્ચિત અને ચકચારી કેસમાં પોલીસે કાયદાનો આકરો કોરડો વીંઝ્યો છે. ખંભોળજ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સગીરાને ભગાડી જનાર મુખ્ય આરોપી મોરબી તરફ ભાગી છૂટ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને મોરબીથી સગીરાને હેમખેમ શોધી કાઢી હતી અને મુખ્ય આરોપી મેહુલકુમાર ગોવિંદભાઈ ઠાકોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આશ્રય અને કાર આપનારા મદદગારો પણ જેલહવાલે

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગુનામાં માત્ર મુખ્ય આરોપી જ નહીં, પરંતુ તેને વાહન અને રહેવાની સગવડ પૂરી પાડનારા મદદગારો પણ એટલા જ દોષિત બન્યા છે. પોલીસે કાયદાકીય શિકંજો કસીને ગુનામાં સાથ-સહકાર આપનાર પિયુષકુમાર કનુભાઈ ઠાકોર, આકાશકુમાર રજનીભાઈ વાઘેલા અને ઈનોવા કારના માલિક કુણાલકુમાર કિરીટભાઈ પટેલની પણ ધરપકડ કરી છે. ગુના માટે ઈનોવા ગાડીઓની વ્યવસ્થા કરવા બદલ તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Khambholaj police action in Anand

સહ-આરોપીઓ સામે પણ પોલીસની કડક કાર્યવાહી

આ સફળ કામગીરી બાદ ખંભોળજ પોલીસે સમાજ અને ગુનેગારોને આશ્રય આપતા તત્વો માટે અત્યંત કડક સંદેશ જાહેર કર્યો છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગુનો બન્યો હોય તે સમયે જો પીડિતા સગીર હોય, તો બાદમાં તેની ઉંમર 18 વર્ષ થઈ જાય કે તેના લગ્ન પણ થઈ જાય, તોપણ કાયદેસરની તપાસ કે ગુના પર તેની કોઈ અસર નહીં પડે. સગીરાને ભગાડવામાં વાહન કે રહેવાની સગવડ આપવી એ પણ ગંભીર ગુનો છે અને મદદગારો પણ કાયદાની કડક કાર્યવાહીથી બચી શકશે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો