આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વર્ષ 2024ની એક મોટી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. 2024ના વર્ષ દરમિયાન પેટલાદના દંતેલી ગામે રાત્રિના સમયે એક ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી અને ઘરના મોભી તેમજ પરિવારને હથિયારોના જોરે બંધક બનાવી, ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 4.80 લાખની લૂંટ ચલાવી લાઈવ ફરાર થઈ ગઈ હતી. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ફફડાટ ફેલાયો હતો.
એલસીબીનું ગુપ્ત ઓપરેશન અને સફળતા
આણંદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમો આ વણઉકેલાયેલા ગુના પાછળ લાંબા સમયથી સક્રિય હતી. દરમિયાન પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લાઈવ બાતમી મળી હતી કે, આ લૂંટમાં દાહોદ જિલ્લાની કુખ્યાત લૂંટારુ ગેંગ સામેલ હતી. બાતમીના આધારે એલસીબીએ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સિમોડા ફળિયામાં રેડ પાડીને મુખ્ય આરોપી હિન્દૂભાઈ કાળીયાભાઈ ભાભોરને દબોચી લીધો હતો.










